પીડશો ના પ્રભુ, હૈયું એટલું પ્રેમમાં, જોજો એમાં એ તો ચિરાઈ જાય ના
રહ્યાં જો તમે સાથેને સાથે, જોજો અમારી નજરમાંથી તમે હટી જાવ ના
રાખજો મને તો સાથે સાથે, જોજો મારાથી તમારાથી એકલું રહેવાય ના
ડુંગર જેવી ભૂલો મારી, સહજમાં તમે વિસારી, જોજો તમને હું વીસરી જાઉં ના
ડુબાડજે ના મને માયામાં એટલો, પ્રેમભર્યું મુખ તારું એમાં વીસરી જવાય ના
સહુમાં ખેલ ખેલીને, ખેલવવામાં, જોજે રે પ્રભુ, જોજે એમાં ખોવાઈ જવાય ના
રહો કે રાખો દૂર પ્રભુ ભલે અમને તમારાથી, જોજો અંતરમાં અંતર એનું વરતાય ના
છીએ પાપી તો અમે, દેજો પાપ બાળી અમારા એવા રે પ્રભુ, હૈયાંમાં બાકી રહી જાય ના
હોય ખામી જીવનમાં અમારા રે પ્રભુ, જોજો ખામી અમારી ભક્તિમાં રહી જાય ના
રહીએ સદા તારા ભાવમાં રે પ્રભુ, જોજો અમારા ભાવમાં ઓટ આવી જાય ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)