દો એવું રે, મને રે વરદાન, દો એવું રે વરદાન, 
    પ્રભુજી રે વ્હાલા, દો મને એવું રે વરદાન
જીવન જીવું જગતમાં એવું રે, ને એવી રીતે, 
    વધારી શકું હું તો તારી રે શાન
જીવન જીવું એવું સરળ અને સારું જગતમાં, 
    પહોંચાડું ના જીવનમાં અન્યને નુકસાન 
સંજોગો ને તોફાનોમાં થાઉં ના હું વિચલિત, 
    કરી શકું જીવનમાં એને હું પરેશાન 
તારામાં રચ્યોપચ્યો રહું એવો ને એટલો, 
    પામી શકું મારી હું તો સાચી પહેચાન 
વિસારી દઉં માયાને એવી રે જીવનમાં, 
    કરી શકું પ્રેમથી જીવનમાં તારા ગુણગાન 
દુઃખ દર્દને સત્કારી શકું એવા પ્રેમથી રે પ્રભુ, 
    થઈ જાય દુઃખ દર્દ ભી હેરાન 
ગૂંથજે કર્મોમાં ભલે મને એવો રે પ્રભુ, 
    ભૂલું ના એમાં હું તો નિજ કર્તવ્યનું ભાન 
નિશદિન રટતો રહું પ્રેમથી નામ તારું, 
    હૈયે પ્રેમથી પીતો રહું, તારા પ્રેમરસનું નિત્ય પાન 
કરું ના પોતાનાને પારકા, કરી શકું પારકાને પોતાના,
    દેજે એવી સમજશક્તિ ને જ્ઞાન
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)