એ તો શા કામનું, એ તો શા કામનું, જીવનમાં રે, એ તો શા કામનું
શીખ્યા ઘણું ઘણું રે જીવનમાં, સમજ્યા નાં કાંઈ એનાથી, એ તો શા કામનું
બાંધ્યા સંબંધો નિતનવા રે જીવનમાં, જાળવ્યા ના જો એને, એ તો શા કામનું
જીવતાં કદર જેની તો કરી નહીં, મરણ પછી વેર્યા પુષ્પો, તો એ તો શા કામનું
મોસમમાં વરસાદ વરસ્યો નહીં, કમોસમમાં વરસી હેલડી, એ તો શા કામનું
કરી વાતો મોટી મોટી, આચરણમાં હોય જો ખોટ મોટી, એ તો શા કામનું
પડતાં ઉપર પાટું મારવામાં, શૂરવીરતાનું પ્રદર્શન કર્યું, એ તો શા કામનું
માંદગીમાં તો ઊભા રહ્યાં નહીં, સાજા થાયે ખબર તો પૂછી, એ તો શા કામનું
રોષને રોષમાં તો દિલ જલતું રહ્યું, સૂકા હાસ્યની ફોરમ વેરી, એ તો શા કામનું
હતા ભૂખ્યા ત્યારે અન્ન ધર્યું નહીં, માંદગીમાં ધર્યા પકવાન, એ તો શા કામનું
સમજદારીના ટાણે સમજ્યા નહીં, સમજદારીનું દીધું વ્યાખ્યાન મોટું, એ તો શા કામનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)