ભવોભવથી રે, ભવોભવથી રે, સાથ નિભાવતો ને નિભાવતો રહ્યો સદાય
નથી કાંઈ એ, અણગમતો મહેમાન, છે એ તો પ્રાણ પ્યારો મહેમાન
રહ્યો ભલે મને એ નચાવતો, રહ્યો ભલે એમાં હું નાચતો સદાય
એના વિના રહ્યો રે હું તો પાંગળો, એના વિના ચાલે મને ના જરાય
પ્રેમથી રાખું ભલે ગમે એટલું, જીવનમાં ભમવું ભૂલે ના એ જરાય
કદી આવે ને રહે, પાસે ને સાથે, કદી અધવચ્ચેથી એ તો દોડી જાય
પૂર્ણતાના આરે પહોંચાડી, પાછો ક્યાંયને ક્યાંય એ તો ઘસડી જાય
રહે જ્યાં એ સાથમાંને સાથમાં, ક્યાંને ક્યાં એ તો પહોંચાડી જાય
જોડાય એ જેમાંને જેમાં, એ તો એ કર્મનું બંધન ઊભું કરતું જાય
એના વિના જગમાં તો કાંઈ ના થાય, એ પાસે તો રહે ના સદાય
લાગી જાય એને થોડું જો ખોટું, એ તો ત્યાંને ત્યાં મુરઝાઈ જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)