સંસાર સાગરે રે, જીવન નૈયા રે, એ તો તરતી ને તરતી જાય
અનુકૂળ વાયરે આગળ વધતી જાય, પ્રતિકૂળ વાયરે, હાલક ડોલક થઈ જાય
રહેવા સ્થિર કરે કોશિશો ઘણી, અસ્થિર તોયે, થાતી ને થાતી જાય
કદી સરળ રીતે વધે રે આગળ, કદી રે એ તો ઊંચી નીચી થાતી જાય
કદી બીજી નાવડી સાથે ટકરાઈ, સમતુલા પોતાની ખોતીને ખોતી જાય
આંતર બાહ્ય તોફાનોના સામના, એ તો કરતી ને કરતી તો જાય
પ્રભુના કિનારાની ખોજમાં નીકળી છે નાવડી, કોણ જાણે ક્યારે પહોંચી જાય
કદી અંધકારે અટવાતી, કદી જ્ઞાનના ચમકારે, મારગ એ તો કાઢતી જાય
સમયના સાથમાં ને તોફાનોના મારમાં, જર્જરિત ને જર્જરિત એ તો થાતી જાય
ન જાણે ક્યારે ને કેવા તોફાનોમાં અટવાઈ, સંસાર સાગરમાં ડૂબી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)