તારા અંતરમાં રે, તારા દિલમાં રે, તારા પ્રભુને રે તું વસાવી દેજે
રોજ રોજ મુલાકાત થાશે તારી રે ત્યાં તો, દિવ્ય પ્રેમની ઘંટડી વાગી ઊઠશે
પ્રેમના વળ તો ત્યાં ચડતાને ચડતા જાશે, ના એ તો તૂટયા તો તૂટશે
સુખદુઃખની તો ત્યાં વાતો રે થાશે, તારા વિના સાંભળનાર ના બીજો હશે
પૂજન, અર્ચન ત્યાં તો થાતી રે જાશે, રિસામણાંને મનામણ તેમાં તો ચાલશે
લીન થઈ જઈશ જ્યાં તું તો એમાં, તું તુજમાંને તુજમાં લીન થાતો જાશે
તારી જાતને જોવાવાળો ને એને જાળવવાવાળો, તું એકલો ને એકલો તો હશે
ત્યાં દિવ્ય પ્રેમના નાદની ધૂન, નિત્ય ત્યાં તો ગાજતી ને ગાજતી રહેશે
એને સાંભળવાવાળો રે તું, તારા ને તારા પ્રભુ સાથે તું એકલો હશે
હશે ત્યાં દિવ્ય પ્રેમનો પ્રકાશ, એમાં તું ને તું નહાતોને નહાતો હશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)