ખુદને માર્યો ખુદે જીવનમાં જ્યાં, ત્યાં ખુદમાં ખુમારી તો જાગી ગઈ
જન્મ્યો ત્યાં અલૌકિક આત્મા, જ્યાં અનોખી ખુમારી તો જાગી ગઈ
હશે દીધી અહંની હોળી જીવનમાં જ્યાં, ત્યાં ખુદમાં ખુમારી તો જાગી ગઈ
અનોખી મસ્તી છવાઈ ગઈ હૈયે તો ત્યાં, જ્યાં ખુદમાં ખુમારી તો જાગી ગઈ
જગસામ્રાજ્ય લાગ્યું તુચ્છ તો ત્યાં, જ્યાં ખુદમાં ખુમારી તો જાગી ગઈ
અપેક્ષા, અપેક્ષિત રહ્યાં ના ત્યાં હૈયે, જ્યાં ખુદમાં ખુમારી તો જાગી ગઈ
પૂર્ણ સંતોષની લાલી, મુખ પર છવાઈ ગઈ, જ્યાં ખુદમાં ખુમારી તો જાગી ગઈ
સત્યના સાતત્યનું સાંનિધ્ય મળી ગયું, જ્યાં ખુદમાં ખુમારી તો જાગી ગઈ
અનોખા પ્રેમની ભરતી ઊછળી તો ત્યાં, જ્યાં ખુદમાં ખુમારી તો જાગી ગઈ
અનોખી શાંતિનો સાગર છલકાઈ ગયો હૈયે ત્યાં, જ્યાં ખુદમાં ખુમારી તો જાગી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)