નક્કી કરી લે, નક્કી કરી લે, જીવનમાં એક વાર તો તું નક્કી કરી લે
કરવું છે શું, તારે બનવું છે શું, તારે જાવું છે ક્યાં, એક વાર આ તું નક્કી કરી લે
નક્કી કર્યાં વિના ઘૂમીશ જીવનમાં, ફરી ફરી રહીશ, અંતે તું ત્યાં ને ત્યાં
વધી ના શકીશ જીવનમાં તું આગળ, પડશે ના સમજ પહોંચવાનું ક્યાં ને ક્યાં
નક્કી કર્યાં વિનાના યત્નો, દઈ જાશે સફળતા જીવનમાં તો કેટલી
યત્નોની માત્રા જાશે વધતી ને વધતી, વધશે મુસીબતો તો એટલી
સમય તો જાશે એમાં વીતતો ને વીતતો, જાશે સમય એમાં તો વીતી
છે સમય તારી પાસે તો જેટલો, લાવીશ સમય બીજો તો તું ક્યાંથી
નક્કી કર્યાં વિનાની દિશા જીવનમાં, બનશે અંધારામાં તો તીર મારવા જેવું
લાગ્યું તો તીર, નહીંતર રહેશો એવા ને એવા, બનશે એમાં તો એવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)