નાનો અમથો મારો જે જીવ જગમાં, જીવોના વનમાં તો અટવાઈ ગયો
લેણદેણ વિનાની, લેણદેણ કરી ઊભી, લેણદેણમાં એ તો અટવાઈ ગયો
પ્રેમના પાન પીવા, જીવનમાં તલસ્યો ઘણું, વેર ને વેરના વનમાં એ તો અટવાઈ ગયો
મસ્તીની મસ્તી ભૂલીને જીવનમાં, મસ્ત મારો જીવ, વ્યવહારમાં તો અટવાઈ ગયો
યાદ કરવા પ્રભુને બેઠો રે જીવ મારો, માયાને માયાના વનમાં અટવાઈ ગયો
સમજદારીના વનમાં નીકળ્યો એ તો ભટકવા, અજ્ઞાનના વનમાંએ અટવાઈ ગયો
સુખના વનમાં ફરવા નીકળ્યો એ તો, દુઃખ ને દુઃખના વનમાં એ અટવાઈ ગયો
સાધવા પ્રગતિ મથ્યો ખૂબ જીવનમાં, અહંને અભિમાનના વનમાં અટવાઈ ગયો
વિચારોને વિચારોની ધારા તો ના અટકી, હવે હું તો વિચારોના વનમાં અટવાઈ ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)