એનું એ જ તો કરતા રહ્યા છીએ, એનું એ જ તો કરતા રહ્યા છીએ
બધું સમજ્યા છતાં જીવનમાં, એની એ જ ભૂલો કરતા રહ્યા છીએ
ત્યજી શક્યા નથી અહં ને અભિમાન જીવનમાં, એમાં ને એમાં ડૂબતા રહ્યા છીએ
કરી વાતો મોટી મોટી, અભરાઈ ઉપર જીવનમાં ચડાવતા આવ્યા છીએ
દુઃખ દેવું નથી જીવનમાં કોઈને, દુઃખી ને દુઃખી તોય કરતા રહ્યા છીએ
સત્યના રણકાર ઊઠયા ના ઊઠયા હૈયે, ત્યાં જ એને દબાવતા આવ્યા છીએ
દઈ દઈ ખોટી ઇચ્છાઓને મહત્ત્વ, એમાં ને એમાં ખેંચાતા રહ્યા છીએ
ખુદની ને અન્યની આવડતના આકમાં, ખોટાને ખોટા પડતા આવ્યા છીએ
જનમફેરા કોઠે પડી ગયા છે, એમાં ને એમાં ફરતા રહ્યા છીએ
જનમોજનમની તો છે આ આદત, આ જનમમાં પણ, એનું એ જ કરતા રહ્યા છીએ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)