રહી હોય જો માનવતા તારામાં થોડી તો બાકી
જીવનમાં અન્યનું દુઃખ તું દૂર કરતો રહેજે
અહંના ડુંગર ખડકીને ખડકીને તો જીવનમાં
જીવનને તો તારા, એની નીચે ના દબાવી દેજે
કરવી છે પ્રેમની લહાણી તારે તો જ્યાં જીવનમાં
હૈયેથી તારા, વેરને તો સો ગાઉ દૂર તું રાખજે
વાણીવિલાસથી જીવન તો ના કાંઈ શોભશે
તારા આચરણથી રે, તારા જીવનને, તું ને તું દીપાવજે
લખવું છે જીવનમાં તારા જીવનનું જ્યાં નવું રે પાનું
તારા પહેલા ને આગલા પાનાનું પૂર્ણવિરામ તું કરી દેજે
તરવું છે ને તારવવી છે તારી જીવનનૈયાને જગમાં રે
અનન્ય વિશ્વાસની નદીમાં તું સતત એને તરતી રાખજે
ઉધાર દીપકના તેજથી, જલશે તારો જીવનપથ કેટલો રે
જીવનમાં રે, તારો દીપક તો તું, તું ને તું બની જાજે
વાસ્તવિકતા સામે આંખ બંધ કરી જીવનમાં તું ચાલીશ કેટલું રે
તારા પગ નીચેની ધરતીને, સદા પહેલાં લક્ષમાં તું રાખજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)