અરે ઓ પાગલ મનવા રે (2) ભટકી ભટકી રે જગમાં, આવ્યું શું તારા હાથમાં
વળ્યું ના તારું ફરી ફરીને જગમાં, બદલ વહેણ તારું, વહેવા દે એને તું પ્રભુચરણમાં
કામકાજ થાવા ના દે પૂરું, અધવચ્ચે છોડાવે તું, આવ હવે કંઈક તું ભાનમાં
કરતો રહ્યો છે નુકસાન ને નુકસાન તારું, તું એમાં, આવ્યું નથી શું એ તારી નજરમાં
દુઃખદર્દની વાત આવી જશે મુખમાં, આવી જાશે આંસુ ત્યાં તો આંખમાં
છોડશે હિંમત ને ધીરજ સાથ તો તારા, આવશે ના કોઈ તો તારા કામમાં
દીધું સ્થાન પ્રભુએ તને રહેવા, મારા તનને, રહ્યો છે બહાર ભટકતો તું જગમાં
સુખ શોધવા નીક્ળ્યું તું તો જગમાં, પડયું છે જગમાં તું તો દુઃખમાં ને દુઃખમાં
સ્થિર રહેવું કેમ તને નથી ગમતું, ફરી ફરી આવ્યું ના કાંઈ તારા હાથમાં
ના થાક્યો તું તો જગમાં, થકવી દીધો મને તો તેં તારા પાગલપણામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)