હશે માનવ પાસે જીવનમાં ભલે રે બધું, તોય હૈયામાં એને શાંતિ નથી
રાત-દિવસ મથે છે જીવનમાં એના કાજે, તોય હૈયે હજી એ મળી નથી
નજર ફેરવે છે જગમાં એના કાજે, નિરાશા વિના બીજું પામ્યો નથી
સુખદુઃખના ઉછાળામાં રહ્યો તણાઈ ત્યાં, હૈયે તો એને શાંતિ નથી
રાખી આશા ખોટી જગ્યાએ જ્યાં એણે, નિરાશાના ધક્કા વિના મળ્યું નથી
ઇચ્છાઓ ને ઇચ્છાઓમાં રહ્યો તણાતો, દુઃખ વિના બીજું પામ્યો નથી
સાચી સમજણ રહી જ્યાં ઘસાતી ને ઘસાતી, ત્યાં હૈયે એને તો શાંતિ નથી
પોષી અહંને જીવનભર, રહ્યો એમાં તો તણાઈ, ત્યાં હૈયે એને શાંતિ નથી
કુદરતના ક્રમને ભૂલી, વહોરી લીધી ઉપાધિ જ્યાં, હૈયે એને ત્યાં શાંતિ નથી
કારણ વિના કરતા રહ્યા ઊભા ઝઘડા, ત્યાં હૈયે એને તો શાંતિ નથી
પચતી નથી જીવનમાં તો જેને સાચી શાંતિ, હૈયામાં એને તો શાંતિ નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)