જોવું છે જીવનમાં, મારે તો જે પ્રભુ, પ્રભુ મને તું એ દેખાડતો નથી
કરવું છે જીવનમાં મારે તો જે પ્રભુ, પ્રભુ મને તું એ કરવા દેતો નથી
બનવું છે જીવનમાં મારે તો જેવું પ્રભુ, પ્રભુ મને તું એવો, બનવા દેતો નથી
છે સર્વસત્તાધીશ જગમાં જો તું, તારા વિના બીજું કોઈ તો અટકાવતું નથી
નથી જાવું જીવનમાં મારે તો જ્યાં, મોકલ્યા વિના ત્યાં મને તું રહેતો નથી
આવી તો છે તારી રે આડોડાઈ, સરળ તોય તને કહ્યા વિના રહ્યા નથી
ચાલતી હોય સરળતાથી ગાડી જ્યાં, પાટા ઉપરથી ઉતાર્યા વિના રહેતો નથી
આવી થોડી સફળતાં તો જીવનમાં, એમાં બહેકાવ્યા વિના તો રહેતો નથી
કરવાં છે દર્શન તારાં રે પ્રભુ, દર્શન તારાં મને તું થાવા દેતો નથી
થાકું થાકું જીવનમાં જ્યાં મારા યત્નોમાં, ખોળે લીધા વિના તું રહ્યો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)