એક નાની ચિનગારી રે, આગ બની ગઈ, જીવનને એ ખાક કરી ગઈ
હર્યાભર્યા જીવનની હરિયાળીને, દાવાનળમાં તો એ ફેરવાઈ ગઈ
લાગી હતી એ તો મામૂલી, વેરાન જીવનને એ તો કરી ગઈ
તણખા ને તણખા રહ્યા ઝરતા એમાંથી, મોટી આગ એમાં બની ગઈ
લીધી ના શરૂમાં એને કાબૂમાં, લેવી કાબૂમાં એને, મુશ્કેલ બની ગઈ
જાગી શંકાની ચિનગારી જીવનમાં જ્યાં, વિશ્વાસની તો એ રાખ કરી ગઈ
જાગી વેરની નાની ચિનગારી હૈયામાં, આગ બની જીવનને ખાક કરી ગઈ
જાગી નાની ચિનગારી ઇર્ષ્યાની તો હૈયે, આગમાં પલટાઈ ગઈ, તોફાન મચાવી ગઈ
જાગી ગઈ ક્રોધની ચિનગારી જ્યાં હૈયે, હૈયામાં દાવાનળ ઊભો એ કરી ગઈ
જાગી પ્રેમની ચિનગારી મોહમાયામાં, એ તો માયાની આગમાં પલટાઈ ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)