છું ભલે બેઠો હું તો અહીં, પણ હું તો અહીં નથી
પૂછશો ના મને રે કોઈ, છું હું ક્યાં, છું હું ક્યાં, મને એની ખબર નથી
નિર્ણય વિનાની છે મુસાફરી તો મારી, નિર્ણય કોઈ તો હું કરતો નથી
રહેતો નથી હું એક જગ્યાએ, કોઈના હાથમાં તો હું રહ્યો નથી
પળે પળે તો હું બદલું રે સ્થાન, પહોંચીશ ક્યાં, હું એ કહી શકતો નથી
કરતો રહ્યો છું હું મુસાફરી તો સદા, તોય હું તો થાકતો નથી
કરું કદી શેખી ભરી રે વાતો, કદી નરમમાં નરમ બન્યા વિના રહેતો નથી
પહોંચું કદી હું મારી ઊંડી ગુફામાં, પહોંચું શોધવા મને, તોય હું જડતો નથી
રહું હું જ્યાં જ્યાં એક ઠેકાણે, ત્યાંનું બધું હું જાણ્યા વિના રહેતો નથી
જાણી શકું છું જીવનમાં હું તો બધું, જીવનમાં મને કોઈ જાણી શક્યું નથી
હું હું ના હાહાકારમાં, તદાકાર બની એવો હું છું, ક્યાં મને એની ખબર નથી
કહેવું, છું હું ક્યાં, કહેવું એ મુશ્કેલ છે, ગોતવો મારે મને એ આસાન નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)