થાવું નથી કે રહેવું નથી, કોઈ દુઃખી જગમાં રે ભાઈ
તોયે જીવનમાં સહુ દુઃખીને દુઃખી થાતાં જાય
ઇચ્છાઓને ઇચ્છાઓ જીવનમાં તો જાગતી જાય,
જીવનમાં બધી પૂરી તો ના થાય, શરૂઆત દુઃખની જીવનમાં, ત્યાંથી તો શરૂ થઈ જાય
અપેક્ષાઓને અપેક્ષાઓ જીવનમાં અટકે ના જરાય,
જીવનમાં બધી પૂરી તો કાંઈ ના થાય
અન્યને સાચા સમજવામાં, અવરોધ જ્યાં આવી જાય,
ભૂલો પોતાની જ્યાં ના સ્વીકારી શકાય
લોભ લાલચ જીવનને તો જ્યાં ઘસડતું જાય,
જીવનમાં એને જો ના અટકાવી શકાય
વેર હૈયેથી તો જ્યાં ના છૂટી જાય,
પ્રેમ ને જીવનમાં પૂરો તો જ્યાં ના અપનાવી લેવાય
ક્રોધને જીવનમાં જો ના હટાવી શકાય,
સદ્ગુણોને જીવનમાં હૈયેથી જો ના અપનાવી લેવાય
આરોપોને, આક્ષેપોમાંથી જીવનમાં જો બહાર ના નીકળાય,
વાક્યે વાક્યે હૈયું જો વિંધાતું જાય
દુઃખના દ્વાર જીવનમાં જ્યાં બંધ કરી દેવાય,
સુખ ત્યાં તો દોડતું ને દોડતું આવી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)