ચાલ્યો રે હું તો, મને ને મને રે શોધવા
જાણતો હતો મને તો જે હું હતો, તે તો હું ના હતો - ચાલ્યો...
સમજ્યા વિનાની શોધમાં, રહ્યો હું ભટકતોને ભટક્તો
રહ્યો ભટકતોને ભટકતો ત્યાં, મને તો હું ના શોધી શક્યો - ચાલ્યો...
રૂપો રહ્યાં મારા ને મારા, બદલાતાને જ્યાં બદલાતા
મારા સાચા રૂપને તો જ્યાં, હું ના ઓળખી શક્યો - ચાલ્યો...
અનેક તેજોમાં પડતાં રહ્યાં, પડછાયા મારા તો ઝાઝા
મારા પડછાયાના સાચા મૂળને, જીવનમાં ના હું શોધી શક્યો - ચાલ્યો...
વૃત્તિએ વૃત્તિએ, વિચારોએ વિચારોએ રૂપો રહ્યાં બદલાતા
વિચારોને વૃત્તિ વિનાનો, જીવનમાં ના હું બની શક્યો - ચાલ્યો...
ખંખેરી સર્વ ઉપાધિઓ, જીવનમાં સરળ બની ગયો
જોયું સીધું મે જ્યાં મારામાં, પડછાયા ગયા અટકી, મને હું પામી ગયો - ચાલ્યા...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)