ડગલેડગલાં તું તો ભરજે એવાં, જોજે `મા’ ના દ્વારે જાય
શ્વાસેશ્વાસ લેજે તું એવા, `મા’ ના નામ વિના ખાલી ન જાય
ધડકન તારી ધડકવા દેજે એવી, `મા’ નું સંગીત સંભળાય
પલક તારી પલકવા ન દેજે એવી, `મા’ ના દર્શન છૂટી જાય
મુખ તારું જોજે થાકે ના કદી `મા’ ના ગુણગાન કરતા જાય
હાથથી તાળી દેજે એવી, `મા’ ના સૂરમાં સાથ દેતી જાય
મસ્તક તારું નમાવજે એવું, `મા’ ના દર્શન કરતા જાય
વર્તન તારું રાખજે એવું, સદા `મા’ નો સાથ મળી જાય
અહં સદા ઓગાળજે એવો, સદા નમ્ર બનતું જાય
કામ ક્રોધને નાથજે એવા, ડોકિયું ઊંચું કરી ન જાય
લોભને વશમાં લેજે, જોજે અહીં તહીં ખેંચી ન જાય
દૃષ્ટિ તારી શુદ્ધ કરજે એવી, સર્વમાં `મા’ નું દર્શન કરતા જાય
ડગલેડગલાં તું તો ભરજે એવાં, જોજે એ `મા’ ના દ્વારે જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)