સાથ તારો બીજો દે ના દે, તું તો માડી
દુઃખમાં સાથ તારો તો દઈ દેજે
હસતો રહું, સદા હસતો રહું હું તો માડી
હાસ્યમાં સાથ તારો તો દઈ દેજે
ધીરજ ખૂટે જીવનમાં જ્યારે મારી તો માડી
ધીરજમાં સાથ તારો તો દઈ દેજે
વિચલિત બનું જ્યારે જ્યારે હું તો માડી
સ્થિરતામાં સાથ તારો તો દઈ દેજે
ભૂલો કરતો રહ્યો છું ઘણી હું તો માડી
માફીમાં સાથ તારો તો દઈ દેજે
છલકાઉં મદમાં જ્યારે, અંકુશ મૂકજે તારો માડી
અંકુશમાં સાથ તારો તો દઈ દેજે
પ્રેમ ભૂખ્યો છું, હું તો બાળ તારો માડી
પ્રેમમાં સાથ તારો તો દઈ દેજે
લાગું જો દયાને પાત્ર હું તો માડી
દયામાં સાથ તારો તો દઈ દેજે
અટવાવું અંધકારે જ્યારે જ્યારે માડી
પ્રકાશમાં સાથ તારો તો દઈ દેજે
હૈયે જાગે ઝંખના તારા દર્શનની માડી
દર્શનમાં સાથ તારો તો દઈ દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)