વિકારોની લતે લતે, જીવ કાં તું ચડી ગયો
આવશે અંજામ બૂરો એનો, એ કેમ તું વીસરી ગયો
આદતે આદતે અંધ બની, એમાં તો ફસાતો રહ્યો
હૈયાની શાંતિ હરાઈ ગઈ, તોય તું તો ના સમજ્યો
છૂટવા ફરી ફરી કરી વિચાર, એમાં તો બંધાતો રહ્યો
મુક્તિ તારી ગઈ છૂટી, વધુ ને વધુ ગૂંચવાતો રહ્યો
હૈયાની તો હામ તૂટી, નીંદરમાં તો કાં ઘેરાયો
નીંદર તારી તોય ન તૂટી, શાને કાજે એમાં ઘેરાયો
મુખેથી તો હસતો રહ્યો, દિલમાં તો તું જલી રહ્યો
ઊંડો ઊંડો ઉતરી એમાં, નિરાશ તું તો બની ગયો
નિરાશા ખંખેરી, કર તું તો વિકારોનો સામનો
મળશે માતાની સહાય, મક્કમ જ્યાં તું બની ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)