અનંતનો અંત આવે જગમાં રે જ્યારે,
સોંપ્યો જ્યારે એ અનંતને પ્રભુના ચરણોમાં રે
અનંત ઇચ્છાઓ જાગે ને સતાવે જીવનમાં જ્યારે,
સોંપી દેજો વાળી દેજો એને પ્રભુના ચરણોમાં રે
અનંત ભાવો જાગે હૈયાંમાં રે, આવશે અંત એનો,
વાળી દેશો, ધરી દેશો એને પ્રભુના ચરણોમાં રે
અનંત વિચારો સતાવે જીવનમાં રે,
વાળી દેજો એને પ્રભુમાં, આવશે અંત એનો પ્રભુના ચરણોમાં રે
અનંત કર્મો અટકે ના જગમાં રે, લાવી દેજે અંત એનો,
ધરીને એને તો પ્રભુના ચરણોમાં રે
અનંત વૃત્તિઓ જાગે હૈયાંમાં ને મનમાં જ્યારે,
આવશે અંત એનો, વળશે જ્યારે એ પ્રભુના ચરણોમાં રે
અનંત દુઃખોનો અંત આવશે જ્યારે,
સોંપી દેશે એને રે તું પ્રભુના ચરણોમાં રે
અનંત એવો અહં તારો આપશે તકલીફ જીવનમાં,
ધરી દેજે, સોંપી દેજે એને રે તું પ્રભુના ચરણોમાં રે
અનંત સ્વાર્થ ભટકાવશે જીવનમાં તને, અટકાવી દેજે એને,
બનાવી પ્રભુને મધ્યબિંદુ, ધરી દેજે પ્રભુના ચરણોમાં રે
અનંત ધારા પ્રેમની વહેશે, પ્રભુની જ્યાં, તારા ઉપર અનંત જીવનમાં,
અંત આવશે પ્રભુના ચરણોમાં રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)