રે માડી રે માડી તું જિતીને હું હાર્યો, છોડી ના ઇચ્છાઓ જીવનમાં મેં, કર્યો ઇચ્છાઓનો તો તેં ખુરદો
અભિમાનમાં રહ્યું ના ભાન મને રે માડી, ખાધી પછડાટ કર્યો પાછો તેં ઊભો
નાખી ના નજર મેં તારી સામે, ખાધી પછડાટ, કર્યો પાછો તેં ઊભો
અહં તણા તળાવમાં લીધા ખૂબ છબછબિયા, બહાર મને એમાંથી તેં કાઢયો
ડગલેને પગલે પ્રારબ્ધે, પુરુષાર્થને પડકાર્યો, પૂરી હિંમત હૈયાંમાં, સામનો કરાવ્યો
અસંતોષમાં ખદબદતા આ જીવને, ડુબાડી સંતોષમાં, તેજસ્વી તેં બનાવ્યો
જાગવું ના હતું માયામાંથી જ્યાં, વગાડી જાગૃતિનો પાવો તેં જગાડયો
નાથી ના શક્યો પ્રારબ્ધને જીવનમાં જ્યાં, ત્યાં જીવનમાં એમાં ઘસડાયો
ગણ્યા જીવનમાં જેને મારા, બન્યા એ પારકા, તને ને તને, મારા ગણવાનો આવ્યો વારો
પ્રેમના તાંતણે બાંધી મને, તારા પ્રેમના આંચલ નીચે મને તેં સૂવાડયો
જ્યાં આવીને બેઠી સામે તું, લાગ્યું માડી, મળી ગયો મને જાતે જીવનનો સરવાળો
અભિમાનમાં રહ્યું ના ભાન મને રે માડી, મારા અભિમાનને ઠેસ તેં પહોંચાડી –
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)