ના કરજે નાક લાંબું તું એટલું, અન્યને અડચણ કરે
પાથર ના પથારો તું એટલો, જે સંકેલી ના શકે
જળમાં જાજે ન ઊંડો એટલો, કિનારે પાછો ફરી ના શકે
કરજે હાથ લાંબો તું એવો, શરમ લેતાં કોઈ ન અનુભવે
કાઢજે ના શબ્દો આકરા એવા, હૈયે તો ઘા ઊંડા કરે
દેવામાં ના ડૂબજે તું એટલો, પાછું વાળી ના શકે
ભૂલજે ના ભાન માયામાં એટલું, તને જગાડવો પડે
ના લૂંટજે લાજ તું અન્યની, લાજ તો પહેલી તારી જાશે
હેત વરસાવજે તું એટલું, જે અન્ય તો પચાવી શકે
દાન દેજે અન્યને તું એવું, પગભર ઊભો જે કરે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)