ભરી-ભરી તું પીજે રે, પ્રેમના પ્યાલા રે મનવા
‘મા’ ના હેયે, પ્રેમના સાગર તો છલકાય છે
આંખો સાથે, આંખ મિલાવી, ઝીલજે તેજનાં બિંદુ રે મનવા
ત્યાં અમીરસનાં છાંટણાં તો રેલાય છે
સંસાર સંગ્રામે, જ્યાં તું થાકીશ રે મનવા
‘મા’ ના ચરણે, શક્તિનાં તેજ સદા રેલાય છે
અજ્ઞાને અંધકારે અટવાશે તું રે મનવા
‘મા’ ના જ્ઞાનનાં તેજ તો હૈયે પથરાય છે
હૈયું જ્યાં અશાંતિના તોફાને ઘેરાય રે મનવા
‘મા’ ના નામમાં શાંતિના સાગર છલકાય છે
હૈયું જ્યારે વિકારોના વેગમાં સપડાય રે મનવા
‘મા’ ની ધડકનમાં, એના સપના દેખાય છે
મુખે-મુખે, મુખાકૃતિ નોખી-નોખી દેખાય રે મનવા
‘મા’ નો વાસ સહુમાં એકસરખો સમાય છે
દિલે-દિલે ધડકન તો જુદી ધડકે રે મનવા
સહુ ધડકનમાં, તાલ એના સંભળાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)