અંતરની વાત મારી, બીજા જાણે કે ન જાણે
તું જો એ ન જાણે માડી, એ મને તો ચાલશે નહિ
જગમાં સાથ બીજાનો, મળે કે ના મળે
તારા સાથ વિના તો માડી, મને તો ચાલશે નહિ
બીજા કોઈ યાદ તો મને કરે કે ના કરે
તું મને જો યાદ નહિ કરે માડી, એ મને તો ચાલશે નહિ
બીજા કોઈ જગમાં મને સમજે કે ના સમજે
જો તું મને નહિ સમજે રે માડી, એ મને તો ચાલશે નહિ
જગમાં બીજા કોઈ દુર્લક્ષ કરે કે ના કરે
જો તું દુર્લક્ષ કરશે રે માડી, એ મને તો ચાલશે નહિ
જગમાં બીજો કોઈ પોતાનો ગણે કે ના ગણે
તું જો મને તારો ગણશે નહિ રે માડી, એ મને તો ચાલશે નહિ
જગમાં દર્શન બીજાનાં મળે કે ના મળે
જો તું દર્શન નહિ દે રે માડી, એ મને તો ચાલશે નહિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)