રખાવજે જીવન એવું ઊજળું રે માડી
તન પરનાં ફાટેલાં કપડાંની કોઈ ચિંતા નથી
મનને રખાવજે, વિશુદ્ધ સદાય તો માડી
ધનધાન્ય મળે ના મળે, એની પરવા નથી
તન રખાવજે સદાય સાજું ને નરવું માડી
મહેલ-મહોલાતોની તો કોઈ જરૂર નથી
દૃષ્ટિમાં રખાવજે, નિર્મળ તેજ સદાય વહેતું રે માડી
બીજા એશોઆરામની તો કોઈ જરૂર નથી
હૈયું ભાવે-ભાવે, ભર્યું-ભર્યું રખાવજે રે માડી
બીજી કોઈ વાતની તો જરૂર નથી
તારા ધ્યાનમાં સમય કાઢવા દેજે રે માડી
માયામાં ઝાઝો ગૂંથાવા દેવાની જરૂર નથી
તારું નામ તો હૈયામાં એવું સમાવા દેજે રે માડી
બીજા નામની તો જીવનમાં જરૂર નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)