સૂરજ ઊગ્યો, ઊગ્યું પ્રભાત, નવલા દિનની થઈ નવલી શરૂઆત
કુમળા કિરણો આકાશે રેલાય, નિતનવા રંગો આકાશે ફેલાય
આશા ઉમંગોના હૈયે કિરણો ભરાય, દે શક્તિ એ ઝીલવા તાપ
દિનમાં પરિવર્તન કંઈક થાય, સવાર બપોર ને સાંજ ઢળતી જાય
દિન આમ જીવનમાં આવે ને જાય, હિસાબ સાચો એનો જો રખાય
સરવાળા બાદબાકી કંઈક થાય, જોજો પાસુ ઉધાર બતાવી ન જાય
કરજે સદા કોશિશ તું, સ્ફૂર્તિ પ્રભાતની દિનભર જળવાય
કરજે પૂરા તારા નિત્ય કામ, જોજે ભાર એનો વધતો ન જાય
અંધારું ઘેર્યા વાદળના, ઘેરાશે અંધકાર, મનડાની શક્તિ હટશે જ્યાં
સૂઝશે ના દિશા, મૂંઝાશે મન, માગજે ત્યારે પ્રભુનો પ્રકાશ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)