છે તું તો જગજનની રે માતા, છું હું તો બાળ તારો રે
રે માડી, તારી ને મારી રાહો, કાં ટકરાય છે
રચયિતા છે તું તો જગની, નિર્લેપ રહી તું જોતી જાય છે
છું માયાનો જીવડો, ના માયામાંથી બહાર મુજથી નીકળાય રે - રે માડી...
છે તું તો આનંદસાગર રે માડી
મારા દુઃખ તણો તો નહિ પાર રે - રે માડી...
છે તારા અનેક ગુણો, ગુણે-ગુણે ગ્રંથ ભરાય રે
રે માડી, મારા અવગુણો તો ના વર્ણવાય રે - રે માડી...
તારી મરજીથી તો આ જગ ચાલે રે માડી
મારી મરજીનું કાંઈ નવ થાય રે - રે માડી...
તન વિના પણ તું જગમાં બધે પહોંચી જાય છે
આ તનથી રે માડી, મારે બધે ના પહોંચાય રે - રે માડી...
ના દેખાતી તું જગમાં રે માડી, એક સત્ય તુજ છે
દૃશ્ય જગત દેખાયે માડી, અસત્ય એ ગણાય છે - રે માડી...
તું પરમ શક્તિશાળી છે રે માડી, તારી શક્તિનો નહિ પાર રે
મારી શક્તિનું અભિમાન, ત્યાં ઓગળી જાય છે - રે માડી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)