અનંત જન્મોથી, બસ ચાલ્યા જ કર્યો છું, ચાલ્યા જ કર્યો છું, ચાલ્યા જ કર્યો છું
ચાલ્યો છું કેટલું, ના યાદ છે એની, ચાલવાનું છે કેટલું, ના ખબર છે એની - બસ...
લીધા વિસામા તો કેટલા, પડશે લેવા તો કેટલા, એની તો ખબર નથી - બસ...
મળ્યા સાથીઓ કેટલા, પડતા રહ્યા એ તો છૂટા, એની તો યાદી નથી - બસ ...
મંઝિલે હજી પહોંચ્યો તો નથી, પહોંચાશે ક્યારે, એની તો ખબર નથી - બસ...
ક્ષિતિજો દેખાણી કદી તો પાસે, દૂર ને દૂર પાછી સરકતી રહી છે - બસ...
જોયા દૃશ્યો કેટકેટલા, ના રહી ગણતરી એની, યાદ એની તો રહી નથી - બસ...
ના નોંધ છે સમય વિતાવ્યાની, ના છે ખબર સમય તો બાકી નથી - બસ...
લીધા વિસામા થાકતા, કળતર ઊતરી ના ઊતરી, શરૂ કરી પાછી મુસાફરી - બસ...
છે પહોંચવું તો મંઝિલે, ના અટકશે મુસાફરી, ચાલ્યા જ કરું છું - બસ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)