અપમાન તો જગમાં કોને ગમ્યું છે, દિલથી માન તો થોડાને મળ્યું છે
સમજ તો જગમાં સહુને મળી છે, સમજદારી તો થોડાએ નિભાવી છે
પ્રતિકૂળતા તો જગમાં સહુને મળતી રહી છે, અનુકૂળતા તો કોઈકને જ મળી છે
હૈયું તો જગમાં સહુને મળ્યું છે, પરદુઃખે તો કોઈકનું જ દ્રવ્યું છે
પ્રભુ તો જગમાં બધે જ વ્યાપ્યા છે, સાંનિધ્ય એનું કોઈકે અનુભવ્યું છે
સરળતા તો સહુને ગમી છે જીવનમાં, સરળતા કોઈકે જ સાધી છે
દર્શન પ્રભુના તો સહુ કોઈ ચાહે છે, દર્શન પ્રભુના કોઈકને જ મળે છે
જગમાં ના કોઈ કોઈનું માને છે, સહુ પ્રભુ પોતાનું માને એવું ચાહે છે
નામે-નામે તો ભેદ જાગે છે, કોઈનું હૈયું, હૈયેથી ભેદ તો ભૂલે છે
રાખી મધ્યમાં ખુદને જગમાં, જુએ, કોઈ તો પ્રભુને મધ્યમાં રાખે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)