પ્રભુનામની માળા જેણે હૈયે ધરી, કોણ જગમાં એનું તો બગાડી શકે
દુર્ભાગ્ય ભી એના ચરણોમાં પડે, પ્રભુ વિના એની નજરમાં કાંઈ ના વસે
માયાના હાથ ત્યાં તો હેઠા પડે, પ્રભુ ધૂને-ધૂને, હૈયું એનું જ્યાં હેલે ચડે
જગફાયદામાં જેનું ચિત્ત નથી, પ્રભુ નામના ફાયદા વિના જેને પડી નથી
કૃપણતા એને હૈયે ના અડકે, પ્રભુના હૈયાની વિશાળતા તો જેને મળે
ધૂળ ને કંચનમાં ભી જે પ્રભુને જુએ, ભેદ એની નજરમાં તો ક્યાંથી ટકે
સર્વશક્તિના જે સદા સાથમાં રહે, ડર, હથિયાર એના ત્યાં હેઠા મૂકે
પ્રભુમિલન વિના જેને બીજી વાસના નથી, વાસના બીજી ત્યાં રાહ જુએ
ચિત્ત તો છે જેનું સદા પ્રભુચરણમાં, ચિત્તે ચિત્તે પ્રભુચરણ જડે
મુક્તિની તો જેને ઝંખના નથી, પ્રભુમાં સદા એ તો મુક્તિ નીરખે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)