કોણ ગયું અંતરમાં આવી, ખૂબ ગયું એને તો હચમચાવી
દિવાસ્વપ્ન બધાં દીધાં તોડી, વાસ્તવિકતાની ભૂમિ દીધી બતાવી
હતા શું એ તો સદ્દગુરુ મારા, કે હતું સૂચન પ્રભુનું એના દ્વારા
રાખી સદા નજરમાં મને તો, રહ્યા કરતા જાગૃત સદા સવેળા
રોકી રાખ્યો પગલાં ખોટાં ભરતાં, પ્રેમપીયૂષ રહ્યા સદા પાતા - હતા શું...
રહ્યા કરતા દૂર આળસ ને શંકા હૈયાના, રહ્યા સદા પથદર્શક મારા
પથરાતાં રહ્યાં જ્યાં મૂંઝવણનાં અંધારાં, રહ્યા એ તો જ્ઞાનદીપક મારા - હતા શું...
મારી નબળાઈઓ પર નજર રાખી, કરવા દૂર રહ્યા સદા મથતા
અહંના છાંટા ના ચલાવી લીધા, અચૂક ઘા એના પર તો દીધા - હતા શું...
લક્ષ્ય ના નજરમાંથી હટવા દીધું, લક્ષ્ય તરફ રહ્યા તો દોરતા
સમય-સમય પર રહ્યા એ દોરતા લક્ષ્ય પર, પહોંચ્યા વિના ના રહ્યા - હતા શું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)