આજ બની ગઈ રાધા તો ઘેલી, જ્યાં બની ગઈ એ તો શ્યામની
બની ગઈ અને થઈ ગઈ ચાંદની, એ તો ચાંદની - જ્યાં...
બની ગઈ તો એવી એ બહાવરી, સહી ના શકી જુદાઈ એ શ્વાસની - જ્યાં...
આંખ સામે અને હૈયાંમાં, નીરખી રહી મૂર્તિ, સદા એ તો શ્યામની - જ્યાં...
ભૂલી ગઈ એ તો તન મનને ભલે, ગઈ ભૂલી ભાન એ તો જગનું - જ્યાં...
ગૂંજતો રહે નાદ કાનમાં બંસરીનો, એના નાદે નાદે રહે એ ડોલતી - જ્યાં..
રહે કાનમાં ગૂંજતા વાદ બંસરીના, હૈયું રહ્યું એનું રટતું તો શ્યામને - જ્યાં..
ગઈ હસ્તી મટી તો જગની, રહી હસ્તી તો એની ને એના શ્યામની - જ્યાં..
બની ગઈ એવી એના શ્યામની, રહી ના સૃષ્ટિ એની શ્યામ વિનાની - જ્યાં..
દેખાતીને જોતી રહી શ્યામ એ તો અંતરમાં, સ્થાપી મૂર્તિ ત્યાં એના શ્યામની - જ્યાં ..
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)