દેખાય છે જેવું જગમાં કદી-કદી, એવું તો નથી રે હોતું
રહ્યું છે ભર્યું અંદર શું, બહાર જલદી એ નથી રે આવતું
અંતરની ઇચ્છા ઊછળી આવે, બહાર એ વિના પ્રદર્શન નથી થાતું
અંતરનાં ઘમસાણ તો, શાંત ચહેરો દેખાવા નથી દેતું
છળકપટે તો જીવનમાં, આવરણ ઓઢ્યા વિના નથી રહેતું
દેખાતું ચોખ્ખું જળ પણ, કદી-કદી ચોખ્ખું નથી હોતું
પ્રેમના પ્રકાર તો છે ઘણા, સ્વાર્થ ઓઢ્યા વિના નથી રહેતું
ઉપરના દેખાવો જોઈ ચાલે જગમાં, ઠગાયા વિના નથી રહેતું
સંબંધોમાં જ્યાં ઊઠે અંચળા, ઘમસાણ જાગ્યા વિના નથી રહેતું
અદૃશ્ય અંચળો પહેર્યો પ્રભુએ, ભાવે, દૃષ્ટિમાં આવ્યા વિના નથી રહેતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)