પ્રભુ, પ્રેમે પ્રગટાવો, તારા પ્રેમનો દીપક, હૈયે તો મારા
નિર્મળ સ્નેહને પુરાવો રે એમાં, પુરાવો તારા સ્નેહની ધારા
ઊઠે છે અંતરમાં તોફાનો અનેક એવાં, લેજે બચાવી એને તો એમાં
તારા રક્ષણ નીચે રાખજે એ દીવડો, સ્પર્શે ના એને તો અંધારાં
વેરણછેરણ તો છે શક્તિ મારી, નથી એમાં મારાં તો ઠેકાણાં
પ્રગટાવજે દીવડો એવો, રહે મળતાં સદા એનાં રે અજવાળાં
રાખજે પ્રકાશ સ્થિર તો એના, રહે વહેતી સદા એની તેજની ધારા
ના જાણું પથ છે લાંબો કે ટૂંકો, મળે તારા તેજે તેજની ધારા
અજવાળે-અજવાળે રહું વધતો, આગળ વધુ સદા એના દ્વારા
અનહદ ઉપકારી એવા પ્રભુનું, રાખજે સ્મરણમાં આ તો તારા
પ્રગટાવજે દીવડો એવો, રહે મળતાં સદા એનાં રે અજવાળાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)