ચાહ્યું હતું કરવા ખાલી હૈયું, ના થયું, સંજોગોએ ખાલી કરાવી દીધું, હૈયું ખાલી થઈ ગયું
મહેનતો નાકામિયાબ બધી ગઈ, પણ વગર મહેનત ફળ એનું એ આવી ગયું
સંઘર્યું હતું ઘણું ઘણું, થાતા ખાલી હળવું ફૂલ એ બની ગયું જ્યાં ખાલી એ થઈ ગયું
હતી અનેક રીતો ખાલી થવાની, સફળ થઈ રીત જે, રીત એને સાચી ગણવાનું
શું ભક્તિ, શું જ્ઞાન, કે શું સેવા, ભારના ભાર તળે, ચિત્ત ના એમાં જોડી શકાયું હૈયાંની મોકળાશમાં, જગમાં જીવનનું અનોખું દર્શન ત્યારે એ તો પામ્યું
કદી દુઃખમાં દબાયેલું, કદી ચિંતામાં ઘેરાયેલું, ખાલી ના ત્યારે એ થઈ શક્યું
ખોટા ખયાલો, ખોટા વિચારો હટયા જ્યાં મનમાંથી, હૈયું એમાં ખાલી થઈ ગયું
ભાવોને ભાવોમાં જ્યાં પ્રભુ સમાણાં, ખોટા ભાવો કાજે હૈયું ત્યાં બંધ થઈ ગયું
પ્રભુની એકતાનું પીણું જ્યાં પીધું હૈયે, હૈયું હૈયું ના રહ્યું હૈયું પૂરું ખાલી ત્યાં થઈ ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)