હૈયું રહે છે તારું ધબકતું, ધબકતા રહે છે રે તારા ધબકારા
રાખ કાબૂમાં તારા આવેગો, વધારી જાશે રે, એ તો તારા ધબકારા
ચિંતાઓ તો તું કરતો ફરે, રહ્યા છે ભોગવી તો તારા ધબકારા
ગુનો નથી તો જેનો રે, રહ્યા છે ભોગવી, છે એ એના અણસારા
ધીરજ ને શાંતિને, પ્યાર છે હૈયેથી, આવકારે એને તારા ધબકારા
શત્રુઓને વળગાડશે જ્યાં હૈયે, ઊઠશે ચોંકી ત્યાં તો તારા ધબકારા
થાક્યું નથી એ દિનરાત ધબકતા રે, થકવી જાશે એને આવા ધબકારા
છે વાચા અનોખી તો એની, છે વાચા એની તો એના ધબકારા
ધડકને ધડકન તો બતાવશે, વહે છે ત્યાં તો કઈ તારી વિચારધારા
સ્પષ્ટ એ તો કહી દે, છે કાબૂ આવેશ પર તો કેટલા રે તારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)