લાગે તને જ્યારે જગમાં કોઈ નથી તારું, જાગે જો હૈયે બહુ મારું-મારું
જાજે દોડી તું દ્વારે પ્રભુના, લાગશે તને, મળ્યું છે કોઈ તને તો તારું
અશાંત હૈયાની દવા છે એની પાસે, લેજે મેળવી, બનીને એનો રે તું
હટશે જ્યાં હૈયેથી સંકલ્પ વિકલ્પ તારા, દેજે મેળવી, પ્રભુ સાથે તો હૈયું
રહેવા ના દેશે એ એકલો તને, રહેશે સાથે ને સાથે તો પ્રભુ
જગની દોલત લાગશે ફિક્કી, મળી જાશે તને તો જ્યાં વિભુ
સુખદુઃખમાં આવી જાશે સમતા, મળશે પ્યારનું બિંદુ એનું અનોખું
થાશે ના સહન કાંઈ તારાથી, પાડશે, પડાવશે જે તને એનાથી વિખૂટું
શ્વાસે-શ્વાસે જ્યાં ભરશે તું એને, બનશે શ્વાસ છોડવા ભી દુઃખભર્યું
સતત છે એ તો સાથે ને સાથે, રહેશે હૈયું તારું એ તો અનુભવતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)