છુપાવ્યા ના છુપાય કરેલાં કર્મો તો, કથની એની કહી જાય
કરો ભલે ઊંડા પાતાળે કે ઊંચે આકાશે, પ્રકાશમાં એ આવી જાય
પહોંચે છે નજર બધે પ્રભુની, નજર બહાર એની, કાંઈ ના રહી જાય
જાગે ના જાગે જ્યાં વિચાર મનમાં, પ્રભુના ચોપડે એ નોંધાઈ જાય
રાહ ભૂલેલા કે રાહે તો ચાલતા, કથની સહુની, એનાં કર્મો કહી જાય
ચડતી કે પડતી સહુના જીવનની, છે પારાશીશી કર્મોની, બધું એ બતાવી જાય
છોડે ના કર્મો કોઈને, હોય રાજા કે રંક, કર્મો એક નજરથી જોતું જાય
કર્મો છે દર્પણ જીવનનું, કર્યું કેવું જીવનમાં એ તો બતાવી જાય
સુખદુઃખ તો જીવનમાં, જગમાં કર્મોના પડઘા એ તો પાડતું જાય
ચડેલા કર્મોના વળો જીવનમાં જ્યાં ઊકલી જાય, મુક્તિ એમાંથી મળી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)