નજર મળી ના મળી, ના કરો હવે એવું તો તમે
હવે પ્યાર ભરી નજરથી, નિહાળો અમને તો તમે
કદરદાન હો કે ના હો જીવનમાં ભલે તો તમે
જરા અમારા પ્રેમની કદર કરો હવે તો તમે
પ્રેમભર્યું મુખડું તમારું, આંચળ નીચે ના છુપાવો તમે
આંચળમાંથી પણ, આપો દર્શન તમારા મુખડાનાં તો તમે
તલસાવ્યા જીવનભર ઘણા અમને તો તમે
પ્રેમમાં વધુ તલસાવો ના અમને, હવે તો તમે
ભૂલ્યા છીએ જીવનમાં જ્યાં ભાન અમારું તો અમે
થોડું ભાન અમારું, પાસે રહેવા દો, હવે તો તમે
દુઃખનો ભાર કરી સહન, બેઠા છીએ જીવનમાં અમે
શાને દુઃખી કરો છો વધુ અમને એમાં તો તમે
હળવા મીઠા બે બોલથી રીઝી જાશું તો અમે
એમાં કંજૂસાઈ ના કરો હવે એમાં તો તમે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)