સમજાતું નથી આ દૃષ્ટિને થયું છે શું, ઝાંઝવાનાં જળ બધે એને દેખાય છે
મળ્યો હતો પારસમણિ એને હાથમાં, એને એમાં તો પથ્થર દેખાય છે
સરળ અને સીધા રસ્તામાં પણ, એને તો કાંટા ને કાંકરા દેખાય છે
દૂધ જેવા સફેદ ચરિત્રમાં પણ, એને તો કાળા ડાઘ દેખાય છે
સીધા ભોળા સરળ હૈયામાં પણ, એને તો દુશ્મનો ને દુશ્મનો દેખાય છે
પ્રેમની વહેતી નિર્મળ સરિતામાં પણ, પરપોટા રાગના એને દેખાય છે
પૂનમના ખીલેલા અજવાળામાં પણ, એને તો અમાસનાં અંધારાં દેખાય છે
પ્રેમથી પૂછે ખબરઅંતર જીવનમાં, છૂપાં કાવતરાં એને એમાં દેખાય છે
બરફની લાદીઓમાંથી પણ એને, ધગધગતા અંગારા ઊઠતા દેખાય છે
ઢળતી સંધ્યામાં પણ, ઢળતા સૂરજના એને તો તાપ દેખાય છે
જીવનમાં બધું એને ઊલટું દેખાય છે, ના ખુદમાં તો એને ખુદા દેખાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)