અંતરમાં અજવાળાં પથરાવ, માડી મારી અંતરમાં અજવાળાં પથરાવ
વીણી વીણી શંકાના કાંટા હૈયામાંથી, હૈયામાં વિશ્વાસનાં અજવાળાં પથરાય
સર્વ ભાવોનો રાજા પ્રેમને, મારા હૈયામાં તો આજે, એને તો પધરાવ
તારા આ જગને નિહાળું પ્રેમથી, હૈયામાં એમાં અનોખા ભાવો તો જગાવ
હરેક સ્થિતિમાં શાંત રહું, હૈયામાં તો મારા, સમતા એવી તો રખાવ
જિંદગી જીવવા સારી રીતે, જિંદગીના તો સાચા અર્થ મને તો સમજાવ
પચાવવા જીવનના ઝેરને તો માડી, હૈયું મારું તો વિશાળ બનાવ
હોય રખડપટ્ટી લખાઈ ઘણી જીવનમાં તો માડી, હવે વધુ મને ના રઝળાવ
છોડું ના અધૂરાં અગત્યનાં કામો જીવનમાં, જીવનમાં મને તો દૃઢ બનાવ
લડવું પડે જીવનમાં તો મારે માડી, મારી દુર્વૃત્તિઓથી મને તો લડાવ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)