પળભરની ઝલક પ્રભુની, જીવનમાં યાદગાર બની ગઈ
સમાઈ ગઈ મુરત હૈયાંમાં જ્યાં એની, પ્યારમાં ચકચૂર કરી ગઈ
હવાના અણુએ અણુમાંથી, પ્રભુની તાજગી મળી ગઈ
દિશાએ દિશામાંથી, પ્રભુની તો અણસાર મળી ગઈ
સુખદુઃખની હસ્તીને જીવનમાં, હૈયેથી તડીપાર કરી ગઈ
માયામાં ફરતી ને ફરતી દૃષ્ટિને, નવી દૃષ્ટિ મળી ગઈ
હરેક ચીજમાંથી, નજર પ્રભુની એમાંથી તો મળતી ગઈ
નજરથી નજર મળતાં પ્રભુની, દુનિયા એ તો બદલી ગઈ
આનંદ ને આનંદના મોજા, હૈયામાં ઊભી એ કરતી ગઈ
આનંદમાં નવરાવીને એવો, જીવન ધન્ય એ તો કરી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)