કર્યો છે રે પ્રભુ, કપાળે મેં તો ચાંદલો, પ્રભુ તારા નામનો
લખાયું છે ભાગ્ય જ્યાં કપાળે તો મારું, કર્યો છે રે પ્રભુ, ચાંદલો, તારા નામનો
રાખજે લાજ તો તું એની, કર્યો છે જ્યાં એ તો, તારા ને તારા નામનો
અડી ગઈ આંગળી કર્મની તો કપાળે, ત્યાં ચમકી ગયો એ તો ચાંદલો
શોભશે એ તો પૂરો, રંગાશે લાલ, જ્યાં તારા ભાવની લાલીયે ચાંદલો
જાણું ના ભાગ્ય મારું, જાણું લગાવી મહોર તારી, કરી કપાળે તારો તો ચાંદલો
જાશે તો જાશે લાજ તો તારી, છે જ્યાં એ તારા ને તારા નામનો ચાંદલો
નથી એ સોને મઢેલો, ના હીરા-મોતીએ જડેલો, છે એ ભાવથી ભરેલો ચાંદલો
જીવનભર રહેશે એ શોભતો, ભૂંસાશે ના એ તો, છે એ તો તારા નામનો ચાંદલો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)