છું જીવનમાં હું મુજથી તો નારાજ, હું મુજથી તો નારાજ છું
નોતરતોને નોતરતો રહ્યો દુઃખ તો જીવનમાં, દુઃખીને દુઃખી થાતો રહ્યો છું
છોડી પથ સુખના તો જીવનમાં, દુઃખના પંથે પંથે તો ચાલતો રહ્યો છું
અપનાવી ના શક્યો હૈયેથી હૈયામાં કોઈને, માર્ગ સંઘર્ષનો અપનાવતો રહ્યો છું
તણાવું નથી વિકારોમાં તો જીવનમાં, એમાંને એમાં તણાતો હું તો જાઉં છું
રહેવું નથી કે બનવું નથી લાચાર જીવનમાં, લાચારને લાચાર બનતો હું તો જાઉં છું
થોડા સમયમાં કરવું છે ઘણું ઘણું જીવનમાં, વ્યર્થ સમય વ્યતિત કરતો જાઉં છું
રસ્તા રોકી ઊભા છે શત્રુઓ જીવનમાં, નમતોને નમતો એને હું તો જાઉં છું
થોડી સફળતામાં અહં ખૂબ જાગ્યા, એમાંને એમાં ડૂબતો હું તો જાઉં છું
હૈયાની પ્રાર્થના ગઈ બધી ભુલાઈ, કાંઈને કાંઈ સંકળાતો એમાં હું તો જાઉં છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)