ભોગવવું પડશે ભાગ્યને, જે ભાગ્યની ઉપર ઊઠી નહિ શકશે
સહનશીલતા જીવનમાં જે ગુમાવી બેસશે, જીવનમાં રડવું એણે પડશે
છતી આંખે અંધ બની જે ફરશે, સત્યનો પ્રકાશ ક્યાંથી એને મળશે
અન્યને પાછા પાડવામાં રચ્યા-પચ્યા રહેશે, પ્રગતિ ક્યાંથી એ સાધી શકશે
ઇચ્છાઓને છૂટો દોર જે દેતા રહેશે, ઇચ્છાઓ એના હાથમાં ક્યાંથી રહેશે
વિકારો સાથે કરશે જે દોડાદોડી, સત્યનું દર્શન એને કેટલું થાશે
સંગ્રામ શરૂ થતાં પહેલાં, હથિયાર હેઠાં મૂકશે, જીત એની ક્યાંથી થાશે
કરવા સમયે જે અનિર્ણિત રહેશે, કાર્ય પૂરા એના ક્યાંથી થાશે
દુઃખદર્દની દવા જે ના કરશે, દુઃખદર્દ દૂર એના ક્યાંથી થાશે
પ્રભુદર્શનની તાલાવેલી, કબજો જો ના લેશે, પ્રભુદર્શન એને ક્યાંથી થાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)