રહ્યા છે સહુ મુક્તિની વાતો તો કરતા, સહુને કોઈ ને કોઈ બંધનમાં બંધાવું ગમ્યું છે
આદતમાં ને આદતમાં સહુ બંધાતા રહ્યા, આદતથી સહુને બંધાવું ગમ્યું છે
પ્રેમના તાંતણા છે જગમાં જાણીતા, સહુને જીવનમાં પ્રેમમાં બંધાવું ગમ્યું છે
ભાવની ધારા રહે જગમાં વહેતી, ભાવના તાંતણામાં સહુને બંધાવું ગમ્યું છે
વૃત્તિના નાચ જગમાં છે જાણીતા, સહુને એના નાચમાં તો બંધાવું ગમ્યું છે
માયા છોડવાની વાતો કરે સહુ તો જગમાં, માયામાં બંધાવું સહુને તો ગમ્યું છે
વિચારોના વ્યાપ છે જગમાં તો મોટા, વિચારોમાં ને વિચારોમાં સહુને બંધાવું ગમ્યું છે
આશાના તાંતણા છે ઘણા રે ઊંડા, આશાના તાંતણે જગમાં સહુને બંધાવું ગમ્યું છે
અહંના તાંતણા જાણે છે સહુ છે ખોટા, અહંના તાંતણે જગમાં સહુને બંધાવું ગમ્યું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)