રહ્યો છું કહેતોને કહેતો, મળવું છે તને રે પ્રભુ, તોયે ના મળી શક્યો
રહ્યો દેતોને દેતો, નવા નવા વાયદા, જૂનાને જૂના હું તો ભૂલતો ગયો
ખંખેરી આળસ, થયો ટટ્ટાર જ્યાં ઊભો, માયાના મારમાં, હું તો નમી ગયો - રહ્યો
જીવનમાં રહ્યો અહીં તહીં ભટકતો, મતલબ જીવનનો ના પૂરો સમજી શક્યો - રહ્યો
છોડવા હૈયેથી સંસાર, કરી કોશિશો સંસારમાં ને સંસારમાં હું તો ગૂંથાતો રહ્યો - રહ્યો
મુક્તિનું સેવ્યું સપનું તો જીવનમાં, સપનામાં પણ મુક્ત હું તો ના રહી શક્યો - રહ્યો
યત્નોને યત્નો, રહ્યો કરતો ખોટા, વાયદાને વાયદા તને હું તો દેતો રહ્યો - રહ્યો
મોહ માયાના વમળોમાં ફસાતો રહી, મોહમાયા તોયે ના હું તો છોડી શક્યો - રહ્યો
અભિલાષા જાગે છે તને તો મળવાની, જીવનમાં સ્થિર એને ના હું રાખી શક્યો - રહ્યો
તારા મેળાપ વિના રહેશે જીવન અધૂરું, મેળાપ તારો તોયે ના હું કરી શક્યો - રહ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)