રે, હું તો ભોળી ગોવાલણ, ભોળી ગોવાલણ, ગોકુળ ગામની રે
ઓલા કપટી કાનુડાએ, ઓલા કપટી કાનુડાએ, હરી લીધું ચિત્ત તો મારું રે
બેસતાંને ઊઠતાં યાદ એની તો આવે, કામકાજ દીધું બધું ભુલાવી રે
હરી લીધાં પહેલાં હૈયાં તો મારા, એની વાંહલડીએ ચિત્ત મારા, ઓરી લીધાં રે
નાચ નચાવે મને એવાં રે, નચાવી મનડાંને મારા, દીવાની એની બનાવી રે
નજરના બાણે લીધા નિશાન એવા, હૈયાં મારા વીંધી લીધા રે
નજરે નજરમાં વસ્યો એ તો એવો, એના વિના બીજું ના દેખાતું રે
વસ્યો હૈયે આ જનમમાં એ તો એવો, જાણે પ્રીત એની તો પુરાણી રે
મીઠું હસતોને હસતો, રહે આંખ સામે ઊભો એવો, સાનભાન દે એ ભુલાવી રે
નજર સામેથી કદી જાય એવો સંતાઈ, મને એવી વિહવળ બનાવી દે રે
એના પગલેપગલાંની રાહ હું તો જોતી, અણસાર બધે એના ગોતતી રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)